આચાર્યાશ્રીનો સંદેશ

શિક્ષણ એક એવો સેતુ છે જે બાળકને નાનકડાં સત્ય થી મહાન સત્ય તરફ દોરે છે. દરેક બાળકમાં અનંત સંભાવનાઓ રહેલી છે.આ સંભાવનાઓને ઓળખવી અને તે પ્રમાણેનું દિશાદર્શન કરતાં વિદ્યાર્થીને જ્ઞાન માર્ગનો મુસાફર બનાવી તેનો સમાજ સાથેનો સેતુ રચવો તે શિક્ષણનું મુખ્ય ધ્યેય છે.

બાળકને શીખવવાને બદલે તે શીખી શકે તેવું વાતાવરણ તેવું પર્યાવરણ પુરું પાડી, સ્નેહ, હૂંફ અને સહકારની આદર્શ પરિસ્થિતિ જ્યાં સંભવી શકે તે સ્થળ એટલે શાળા. આપણી શાળા દ્વારા ઉચ્ચ શૈક્ષણિક આદર્શોના નવનીત સ્વરૂપે બાળક શીખતો થાય અને બાળકનાં હૃદય, મન અને બુધ્ધિની ખિલવણી થાય તે દિશામાં પ્રયત્ન થઇ રહ્યો છે. બાળક ઉત્તમ વિદ્યાર્થી,ઉત્તમ નાગરિક, ઉત્તમ મનુષ્ય અને ત્યારબાદ ઉત્તમ શિક્ષક, ડોક્ટર, એન્જીનિયર, વકીલ કે અન્ય વ્યવસાયી બને તેવાં સ્તુત્ય પ્રયાસો થઇ રહ્યાં છે.

આપણી શાળા દ્વારા વિદ્યાર્થીના સર્વાંગી વિકાસની કેડીનું સુચારુ પથદર્શન કરાવનાર અનુભવી શિક્ષકો દ્વારા પૂર્ણપણે અભ્યાસમય પર્યાવરણ પુરું પાડવાનો પ્રયાસ થઇ રહેલ છે. તેના ભાગરૂપે શાળાનો ઉત્તરોત્તર પ્રભાવક વિકાસ આપ સહુ જોઈ રહ્યાં છો જ. શાળાનાં વર્ષોવર્ષનાં શ્રેષ્ઠતમ પરિણામોએ આપણી શાળાનું ગૌરવ અનેકગણું વધાર્યું છે તો રમત ગમતના ક્ષેત્રે પણ આંતરશાળા થી આંતરરાષ્ટ્રીય કક્ષા સુધી આપણાં બાળકોએ સિદ્ધિઓ પ્રાપ્ત કરેલ છે. વિવિધ પ્રકારની સહ શિક્ષણ પ્રવૃત્તિઓ વડે વિદ્યાર્થીઓની સામાજિકતા તથા બંધુત્વની ભાવનાનો વિકાસ કરી રાષ્ટ્રના નવ નિર્માણની દિશામાં અગ્રેસર બની રહે તેવી પેઢીઓનું નિર્માણ કરવાની   ભદ્રભવના સાથે શાળા સર્વાંગી વિકાસની દિશામાં હરણફાળ ભરી રહેલ છે.

આપણી શાળા શહેરનાં હાર્દ સમાં વિસ્તારમાં હોય સ્વાભાવિક રીતે જ વાલીમીત્રોને શાળા પ્રત્યે વધુ માં વધુ અપેક્ષાઓ હોય જ અને તે પૂર્ણ કરવામાં પણ સહુનો સહિયારો પ્રયાસ ખૂબ જ જરૂરી છે. વિદ્યાર્થીઓમાં શિસ્ત, સંયમ, વિનય, વિવેક, નમ્રતા સાથેસાથ ભાગીદારી અને સ્પર્ધાના  ગુણોનો વિકાસ પણ આજે ખૂબ જરૂરી બનતો જાય છે, વાલીગણ દ્વારા પણ શાળાને જે સાથ , સહકાર પ્રાપ્ત થયો છે તે કાબિલે તારીફ છે આપણાં સહુનાં સહિયારા પુરુષાર્થ વડે જ આપણે આપણાં બાળકનાં શ્રેષ્ઠ ભવિષ્યનું નિર્માણ કરી શકીશું.

આજે શિક્ષણન્ ક્ષેત્રે જે પ્રકારની વ્યવસ્થા જોવા મળે છે તેનાથી અલગ ચિલો ચાતરી શાળા દ્વારા “શિષ્યાય નમઃ” ની ભાવનાને ચરિતાર્થ કરવાની દિશામાં કદમ માંડી વિદ્યાર્થીને સમજવો. સંવાદ સર્જવો તથા જનરેશન ગેપ ઘટાડી “હું” અને “તું”ને બદલે “આપણે”ની ભાવના જગાડી ટીમવર્ક દ્વારા શ્રેષ્ઠ પરિણામોની પ્રાપ્તિ કરવાનો ધ્યેય રાખેલ છે. આ પાવન યજ્ઞમાં આપ સર્વેનું સ્વાગત છે.

આચાર્યાશ્રી

પ્રીતિ શાસ્ત્રી